ભારત ચંદ્ર પર પહોંચી ગયું છેઃ ISRO
વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ થયા બાદ ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું હતું કે, ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલ વિક્રમે ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ત્યારબાદ તેમણે તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરામુથુવેલે જણાવ્યું હતું કે, ભારત ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે.
ભારત, હું મારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયો છુંઃ ચંદ્રયાન-3
જ્યારે ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રયાન-3 તરફથી સંદેશ લખ્યો હતો કે, ભારત હું મારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયો છું અને તમે પણ!
આજનો દિવસ ઐતિહાસિક, આ નવા ભારતનું પ્રભાત છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
હાલમાં સાઉથ આફ્રિકા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ જોયું હતું. ચંદ્રયાન-3ની સફળતા બાદ તેમણે દેશને સંબોધીત કરતા કહ્યું હતું કે, ભારતના સ્પેસ સેક્ટરમાં આજનો દિવસ ઐતિહાસિક છે. જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે. આ નવા ભારતનું પ્રભાત છે. આપણે ધરતી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સફળ બનાવ્યો. હવે ભારત ચંદ્ર પર છે. ક્યારેક કહેવામાં આવી રહ્યું હતું કે ચંદા મામા ઘણા દૂર છે પરંતુ હવે એક દિવસ એવો પણ આવશે કે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામ ફક્ત એક ટૂરના છે.
પ્રત્યેક ભારતીયની સહિયારી સફળતાઃ મલ્લિકાર્જુન ખડગે
ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ની સફળતા દરેક ભારતીયની સામૂહિક સફળતા છે. 140 કરોડ આકાંક્ષાઓ સાથે ઉત્સુક રાષ્ટ્ર આજે તેના છ દાયકા લાંબા અવકાશ કાર્યક્રમમાં વધુ એક સિદ્ધિનું સાક્ષી છે. અમે આપણા વૈજ્ઞાનિકો, સ્પેસ એન્જિનિયર્સ, સંશોધકો અને આ મિશનને ભારત માટે વિજયી બનાવવા માટે સામેલ દરેકની નોંધપાત્ર મહેનત, અપ્રતિમ ચાતુર્ય અને અવિશ્વસનીય સમર્પણ માટે ખૂબ જ ઋણી છીએ.