આયુષ અગ્રવાલ નામના ડિઝાઈનરનાં મમ્મી દિલ્હીથી કોલકાતા આવી રહ્યા હતા. કોલકાતા એરપોર્ટ પર વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ લેન્ડ થયા પછી બધા જ મુસાફરો ઉતરી ગયા. પ્લેનમાં બેઠેલા આ વૃદ્ધા એરલાઈનના સ્ટાફ મેમ્બરની રાહ જોતા રહ્યા. પરંતુ કોઈ ના આવ્યું. થોડીવાર પછી તેમને પ્લેનમાં ક્લીનર્સનો અવાજ સંભળાયો ત્યારે ફાળ પડી. જેથી તેમણે ક્લીનર્સને મદદ કરવાની વિનંતી કરી. ક્લીનર્સે એરલાઈનના સ્ટાફને બોલાવ્યો અને બાદમાં તેઓ આ વૃદ્ધાને એરપોર્ટ સુધી લઈ ગયા હતા.
આ ઘટનાથી હચમચી ગયેલા આયુષે વિસ્તારા એરલાઈનને ઈ-મેઈલ કર્યો સાથે જ એક વિડીયો રેકોર્ડ કરીને પોતાની માતા સાથે થયેલી બેદરકારીને ઉઘાડી પાડી હતી. વિડીયોમાં આયુષ કહે છે કે, “મારી મમ્મી ઉંમરલાયક છે અને પ્રજ્ઞાચક્ષુ છે. જેથી તેમના માટે અમે આસિસ્ટેડ ટ્રાવેલ પ્લાન પસંદ કર્યો હતો. મતલબ કે, તેમની આખી જર્ની દરમિયાન સ્ટાફમાંથી કોઈ તેમની સાથે રહેશે અને કોલકાતા એરપોર્ટ પર લેવા આવેલા અમારા પરિવારના સભ્યને મમ્મીને સોંપી દેશે. જોકે, જ્યારે પ્લેન લેન્ડ થયું ત્યારે એરલાઈન સ્ટાફે મારી મમ્મીને રાહ જોવાનું કહ્યું. તેમણે 20-25 મિનિટ સુધી રાહ જોઈ પરંતુ કોઈ લેવા ના આવ્યું. એકાએક તેમને કેટલાક અવાજો સંભળાયા અને અંદાજો લગાવ્યો કે ફ્લાઈટમાં સાફ-સફાઈ કરવા માટે ક્લીનર્સ આવી ગયા છે. આ ફ્લાઈટ આગળ આંદમાન અને નિકોબાર જવાની હતી એટલે સંભાવના છે કે મમ્મી અંદર જ રહી ગયા હોત અને કોલકાતાના બદલે આંદમાન પહોંચી ગયા હોત. જોકે, મારા મમ્મીએ ક્લીનર્સનો અવાજ સાંભળ્યા પછી તરત જ તેમને જાણ કરી કે અહીં તેમને લેવા કોઈ આવ્યું નથી. સદનસીબે મારી મમ્મી સ્માર્ટ છે અને તેણે ક્લીનર્સને પોતે પ્લેનમાં જ રહી ગયા હોવાનું કહ્યું. પણ વિચારો કે, પ્લેનમાં કોઈ બાળક કે અતિશય વૃદ્ધ વ્યક્તિ કે દિવ્યાંગ રહી જાય તો શું થઈ શકે? આ બાબત ખૂબ ગંભીર છે અને એરલાઈનની બેદરકારી પણ ખૂબ મોટી છે. એરલાઈને વધુ જવાબદાર બનવાની જરૂર છે.” આ
વિસ્તારા એરલાઈનને ટેગ કરતાં આ વિડીયોના કેપ્શનમાં આયુષે લખ્યું, “મારી પ્રજ્ઞાચક્ષુ મમ્મીનો જીવ તમે આ રીતે જોખમમાં કઈ રીતે મૂકી શકો? ટ્રાવેલિંગ વખતે તમારા નિરીક્ષણમાં મૂકવામાં આવેલા દિવ્યાંગ પેસેન્જરો તમારી જવાબદારી નથી? આ ઘટના ચોંકાવનારી છે.” આ વિડીયોના જવાબમાં વિસ્તારા એરલાઈને કોમેન્ટ કરીને આયુષની માફી માગી છે. સાથે જ આવી ક્ષતિ ફરીથી નહીં થાય તેવી ખાતરી આપી છે.
આ ઘટના અંગે વિસ્તારા એરલાઈનના એક અધિકારીએ કહ્યું, “અમારી ટીમે ફરિયાદી સાથે વાત કરી છે. તેઓ અમને મુસાફરનો પીએનઆર નંબર સહિતની વિગતો આપશે એટલે અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.” આ ઘટના બાદ ફક્ત એક નહીં તમામ એરલાઈન્સ પોતાના પેસેન્જરો પ્રત્યે જવાબદાર બને અને કામને ગંભીરતાથી લે તેવી જરૂર છે, જેથી કરીને ભવિષ્યમાં ફરીથી આવો કિસ્સો ના બને અને કોઈ વૃદ્ધને હેરાન ના થવું પડે.