ઈસરોએ આ વીડિયોને શેર કરતી વખતે ખૂબ જ સરસ કેપ્શન આપ્યું છે. સ્પેસ એજન્સીએ લખ્યું છે કે, પ્રજ્ઞાન રોવર ચંદા મામાના ખોળામાં બેસીની રમી રહ્યું છે. લેન્ડર વિક્રમ તેની (પ્રજ્ઞાન) તરફ જોઈ રહ્યું છે, જેવી રીતે કે કોઈ માતા તેના બાળકને રમતા રમતા જોઈ રહી છે. શું તમને એવું નથી લાગતું? આ ચંદ્રનો લેટેસ્ટ વીડિયો આવ્યો છે. રોવર પ્રજ્ઞાને બીજા દિવસે વિક્રમ લેન્ડરનો ફોટો શેર કર્યો હતો.
અગાઉ ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચ્યાના પાંચમા દિવસે 28 ઓગસ્ટના રોજ સવારે પ્રથમ અને સાંજે બીજું અવલોકન મોકલ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરીના પુરાવા મળ્યા છે. સલ્ફર ઉપરાંત એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ અને ટાઈટેનિયમની હાજરી પણ ત્યાં મળી આવી છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં માઉન્ટ થયેલ ChaSTE પેલોડે ચંદ્રના તાપમાન સાથે સંબંધિત પ્રથમ અવલોકન મોકલ્યું હતું. ChaSTE અનુસાર ચંદ્રની સપાટી પર અને વિવિધ ઊંડાણો પર તાપમાનમાં ઘણો તફાવત છે.
ઈસરોએ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતાર્યું હતું. તેને 14 જુલાઈના રોજ શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3એ 40 દિવસમાં 21 વખત પૃથ્વી અને 120 વખત ચંદ્રની પરિક્રમા કરી હતી. ચંદ્રયાને ચંદ્ર સુધી 3.84 લાખ કિલોમીટરનું અંતર કાપવા માટે 55 લાખ કિમીની મુસાફરી કરી હતી.
રોવરે તેનો માર્ગ બદલી નાખ્યો
ચાર દિવસ પહેલા ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રની સપાટી પર ચાર મીટર ઊંડા ખાડામાં આવ્યા બાદ રોવરે સફળતાપૂર્વક પોતાનો માર્ગ બદલી નાખ્યો હતો. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ છે. આ દરમિયાન 80 મીમીની ઊંડાઈએ માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
લેન્ડિંગ 23મી ઓગસ્ટે થયું હતું
નોંધીય છે કે 31 ઓગસ્ટે ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણનો આઠમો દિવસ છે. રોવર પ્રજ્ઞાને બીજી વખત ચંદ્ર પર સલ્ફર હોવાની પુષ્ટિ કરી છે. ઈસરોએ કહ્યું છે કે આ વખતે પ્રજ્ઞાન પર લગાવવામાં આવેલ આલ્ફા પ્રેક્ટિસ એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપ (APXS)એ સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. અવકાશ એજન્સીએ એમ પણ કહ્યું કે હવે તેઓ શોધી રહ્યા છે કે ચંદ્ર પર સલ્ફર ક્યાંથી આવ્યું – આંતરિક, જ્વાળામુખીની ઘટનાથી કે ઉલ્કામાંથી? ઉલ્લેખનીય છે કે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ છે. અગાઉ રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે. જોકે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ છે.